બાળ પ્રતિભાનો ઉત્સવ ‘રંગોત્સવ-૨૦૨૬’: વાડ શાળામાં સર્જનાત્મકતાનો અનોખો રંગ.
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં તા. ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ ‘રંગોત્સવ-૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, જેમાં એસ.એમ.સી. અધ્યક્ષ શ્રી દિનેશભાઇ, તાલુકા પંચાયત સભ્ય શ્રીમતિ જશોદાબેન, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનિષભાઇ કે. પરમાર, બીટ નિરીક્ષક શ્રી પ્રશાંતભાઇ તથા ઘટક સંઘ પ્રમુખ શ્રી દિવ્યેશભાઇ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય શ્રી કિરિટભાઇએ તમામ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી શાળાની શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની માહિતી આપી હતી.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ લોકનૃત્ય, દેશભક્તિ ગીતો, બાળનૃત્યો અને રાસ જેવી કુલ ૧૬ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ખાસ કરીને પરંપરાગત આદિવાસી નૃત્ય કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું. વિદ્યાર્થીઓ પરંપરાગત વેશભૂષામાં તાલબદ્ધ સંગીત સાથે મંચ પર આવ્યા ત્યારે તાળીઓના ગડગડાટથી સમગ્ર માહોલ ગૂંજી ઉઠ્યો હતો.
વર્ષ દરમિયાન શૈક્ષણિક, રમતગમત અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે પારિતોષિકો આપવામાં આવ્યા હતા. સાથે શાળાના નિવૃત કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકો શ્રી બાબુભાઇ, શ્રી ગોવિંદભાઇ તેમજ શિક્ષિકાઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, જ્યારે સંચાલન શ્રી ધર્મેશકુમાર દ્વારા કરવામાં આવ્યું હતું. ગ્રામજનો, વાલીઓ અને શિક્ષકોના સહકારથી કાર્યક્રમ યાદગાર રહ્યો અને અંતે રાષ્ટ્રગીત સાથે સમાપન થયું.

























0 Comments