શિક્ષકની સંવેદનશીલ પહેલ: ૨૪૦ બાળકો સાથે તિથિભોજનનો આનંદ
ભારતીય સંસ્કૃતિમાં ‘અન્નદાન એ જ મહાદાન’નો મહિમા ગવાયો છે. શાળા એ માત્ર શિક્ષણનું ધામ નથી પરંતુ સંસ્કાર સિંચનનું કેન્દ્ર પણ છે. આ ઉક્તિને સાર્થક કરતા નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં આવેલી વાડ મુખ્ય પ્રાથમિક શાળા પી.એમ.શ્રી ગુજરાત ખાતે આજરોજ એક પ્રેરણાદાયી ‘તિથિભોજન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સુંદર કાર્યક્રમનું આયોજન આ જ શાળાના ઉત્સાહી શિક્ષક અને નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સહમંત્રી શ્રી ધર્મેશકુમાર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે શાળાના બાળકો પ્રત્યેના વિશેષ લગાવને કારણે શાળાના તમામ બાળકોને ભાવતું ભોજન કરાવવાનો સંકલ્પ કર્યો હતો.
આ કાર્યક્રમમાં શાળાના ધોરણ ૧ થી ૮ ના કુલ ૨૪૦ જેટલા વિદ્યાર્થીઓ, શાળાનો સમગ્ર સ્ટાફ ગણ તેમજ SMC (શાળા વ્યવસ્થાપન સમિતિ) ના સભ્યો જોડાયા હતા. મધ્યાહન ભોજનના સમયે તમામ વિદ્યાર્થીઓને શિસ્તબદ્ધ રીતે પંગતમાં બેસાડવામાં આવ્યા હતા. ભોજનમાં બાળકોને મનપસંદ વાનગીઓ અને મિષ્ટાન્ન પીરસવામાં આવ્યા હતા.
બાળકોના ચહેરા પર ભોજન સમયે જે અનેરો આનંદ અને સંતોષ જોવા મળતો હતો, તે દ્રશ્ય ખરેખર આંખને ઠંડક આપનારું હતું. આ તકે શ્રી ધર્મેશકુમારે જણાવ્યું હતું કે, "શિક્ષક તરીકે અમે રોજ બાળકોને જ્ઞાન તો આપીએ જ છીએ, પરંતુ જ્યારે આપણે એમની સાથે બેસીને ભોજન લઈએ છીએ અથવા એમને જમાડીએ છીએ ત્યારે એક અલગ જ આત્મીયતા બંધાય છે."
શાળાના આચાર્યશ્રીએ શ્રી ધર્મેશકુમારની આ ઉદાર ભાવનાને બિરદાવી હતી અને કહ્યું હતું કે આવા કાર્યોથી બાળકોમાં સમૂહજીવન અને વહેંચીને ખાવાની ભાવનાનો વિકાસ થાય છે. SMC અધ્યક્ષ અને સભ્યોએ પણ આ પહેલની પ્રશંસા કરી હતી અને શિક્ષકનો આભાર માન્યો હતો.
આમ, વાડ પી.એમ.શ્રી શાળામાં આજનો દિવસ માત્ર અભ્યાસનો જ નહીં, પરંતુ સ્વાદ, સંતોષ અને સ્નેહના સમન્વયનો દિવસ બની રહ્યો હતો. ૨૪૦ નિર્દોષ બાળકોની તૃપ્તિ અને આશીર્વાદ સાથે આ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.










































0 Comments